…માં ડંખે

(લખ્યા તારીખ: જુલાઈ ૦૭, ૨૦૧૧)

(છંદ: ગાલગાગા|ગાલગાગા|ગાલગાગા|ગા)

(તાલ: રૂપક અથવા દીપચંદી)

(શ્લેષ: શે’ર ત્રીજો, “છોડી”)

(શે’ર બીજો: સંતાનોને અનુલક્ષીને માવતરની વ્યથા)

(સાખ = સાક્ષી, કાઠા = આકરા)

સોણલાં તો સાવ સીધી સાખમાં ડંખે

આંખમાં આંજેલ સ્વપ્નાં આંખમાં ડંખે

હાથના કીધેલ ડંખે હાથમાં તે છો

હાથમાં ઉછરેલ તે કાં હાથમાં ડંખે?

એક છોડી, અવગણીને ક્યાં જવાઈ ’ગ્યું!

એક એ તો યાદ આવી લાખમાં ડંખે

કાં અબોલા આટલા કાઠા પડ્યા જાણું

આટલામાં જાત વાતેવાતમાં ડંખે!

વાટ ખૂટી, ગાંઠ છૂટી ’ને ગયા દોડી

સાથમાં શું યે હતું કે સાથમાં ડંખે?

જિંદગી જીવી અને ઊડી જવાનું છે

તો ય કેવું, કેમ, શાને પાંખમાં ડંખે?

જો તિખારા ઊડતો બા’રે મસાણેથી

કેટલું એવું ય છે જે રાખમાં ડંખે!

2 Responses to “…માં ડંખે”

  1. pramath Says:

    “સીધી સાખમાં” – સીધી સાક્ષીમાં, પ્રત્યક્ષ રીતે
    “જો તિખારા ઊડતો બા’રે મસાણેથી” – “હે તિખારા! તું મારી ચિતા પરથી ઊડે છે તો સ્મશાનની બહાર જો!”

  2. પંચમ શુક્લ Says:

    વાહ… શેરિયતથી ભરપૂર ગઝલ.

Leave a comment