ગઝલ એટલે શું અને તેની આસપાસ વપરાતા શબ્દોની સાદી સમજ

(ગુજરાતીઓને ગઝલ એટલે શું તે સમજાવવું તે માછલીને તરતાં શિખવવા બરાબર છે. છતાં ધૃષ્ટતા કરું છું.

વિશ્વકર્માનો બેટો (એન્જિનિયર) સરસ્વતી વિષે સમજાવે છે આથી હથોડાછાપ ભાષા માટે તૈયાર રહેજો!)

ગુલામઅલી કે જગજીતસિંઘ ગાય તે ગઝલ? ના.

ગઝલ સંગીતનો પ્રકાર છે? ના.

ગઝલ તે કાવ્યનો પ્રકાર છે.

૧. શે’ર: ગઝલને (રિલાયન્સની જેમ જ) શે’ર હોય છે. (રિલાયન્સના શેરની માફક જ) બે શેર વચ્ચે કોઈ સાતત્ય હોવું જરૂરી નથી. સારી રીતે લખાયેલ ગઝલમાં એવું સાતત્ય જેટલું ઓછું તેટલું સારું. (આથી જ જેમ ઓડ-લોટના શેર છૂટા-છૂટા વેચી શકાય છે તેમ ગઝલના શે’ર છૂટા-છૂટા કહી શકાય છે. લાંબું-લચક નહીં – સમજી ગયાને?) ગઝલને કુલ પાંચ કે તેથી વધુ – એકી સંખ્યામાં – શે’ર હોવા જોઈએ.

૨. મિસરા: દરેક શે’રમાં બે પંક્તિઓ (અને માત્ર બે જ પંક્તિઓ) હોવી જોઈએ. આ પંક્તિઓને મિસરા કહે છે. પહેલી પંક્તિને ઉલા મિસરો (અરબીમાં વલા , પહેલો મિસરો) અને બીજી પંક્તિને સાની મિસરો (અરબીમાં ઝાની, બીજો મિસરો) કહે છે. મિસરાના પાછા નિયમ છે: ઉલા અને સાની મિસરા એક બીજામાં કથનની રીતે ચડી ન જવા જોઇએ. અર્થાત, ઉલા મિસરામાં જે કહેવું છે તે છલકાઈને સાનીમાં જતું રહે કે સાનીમાં જે કહેવું છે તે વધીને ઉલાના પાછલા બારણે ઘૂસી જાય તે ખોટું.

આમ તો મિસરાના પણ બે ભાગ વિષે ઘણું છે. એને જવા દો.

૩. રદીફ઼-કાફ઼િયા: સારી કવિતામાં પ્રાસ તો હોવા જ જોઈએ ને? (નહીં તો પ્રાસની જગ્યાએ ત્રાસ થઈ જાય!) આ પ્રાસના ખેલના કારણે જ ગઝલ આટલી લોકપ્રિય છે. મુદ્દો એ છે કે ગઝલના દરેક શે’રને  *બે* જાતના પ્રાસ હોવા જોઈએ.

તમે આ દીવાનની કોઈ પણ ગઝલ ધ્યાનથી વાંચજો: દરેક શે’રનો છેલ્લો શબ્દ (કે શબ્દસમૂહ) એનો એ જ હશે. (આનો અર્થ મને નવા શબ્દો ગોતવાની અણ‍આવડત કે આળસ નથી! આ દરેક ગઝલની જરૂરિયાત છે.) એ ન બદલાતા શબ્દ (કે શબ્દસમૂહને) રદીફ઼ કહે છે. સ્વાભાવિક છે કે દરેક શબ્દ પોતાની સાથે તો પ્રાસમાં જ હોય! આ થયો એક જાતનો પ્રાસ.

તમે ફરીથી કોઈ બીજી ગઝલ લો અને તેના રદીફને ઢાંકી દો. તમને દેખાશે કે રદીફની પહેલાંનો શબ્દ ખરેખર પ્રાસ છે. આ બીજી પ્રકારનો પ્રાસ. એને કાફ઼િયા કહેવાય છે.

હવે, જો તમે કોઈ શાયરને સાંભળ્યા હોય તો તે “રદીફ઼-કાફ઼િયા” બોલશે – પણ શે’ર રચતી વખતે લખશે “કાફ઼િયા-રદી્ફ઼”! છે ને ગોટાળો? એમ તો આપણે “ફળ-ફૂલ” ક્યાં નથી બોલતા? ક્યાંય ફળને ફૂલ પહેલાં આવતાં જોયાં?

૪. મક઼્તા-મત્લા: એવો જ બીજો શબ્દપ્રયોગ તમે સાંભળ્યો હશે “મક઼્તા-મત્લા”. આ ગઝલના બે ખાસ પ્રકારના શે’ર છે. (કન્વર્ટિબલ, કોમન, પ્રેફરન્સ વગેરે શેરના પ્રકાર છે ને? તેવું જ અહીં.)

ગઝલનો પહેલો શે’ર હોય તેને મત્લા કહે છે અને છેલ્લા શે’રને મક઼્તા કહે છે. (“મક઼્તા-મત્લા”માં પણ “ફળ-ફૂલ” જેવું જ છે! તમે સમજી ગયા!)

(આરંભે શૂરા ગુજરાતીઓ અને મારે માટે પણ) ગઝલ લખવામાં સૌથી અઘરું છે શરૂઆતનો શે’ર અર્થાત મત્લા લખવાનું! ના, ના, ગઝલ (કે કશું પણ બીજું) લખવાની શરૂઆત કરવી  તે તો અઘરું છે જ! આ તો ખાસ કારણ એ કે મત્લાના બન્ને મિસરાઓમાં રદીફ઼ અને કાફ઼િયા બન્ને આવવા જોઈએ! હજી સુધી આ નિયમ તોડનારા પ્રયોગો બહુ સફળ નથી થયા.  એક શે’રના બન્ને મિસરામાં રદીફ઼ અને કાફ઼િયા બન્ને  વાપરવા તે સહેલું નથી કારણ કે પછી ઝાઝા શબ્દો લખવાના બચતા નથી. (હાઇકુ-દેહ ગઝલમાં મત્લા લખતાં તો આંખે પાણી આવી જાય છે!)

એક જમાનામાં (મારા ખ્યાલ પ્રમાણે જ્યારે લોકો શાયરોને મારવા લેતા ત્યારે) શાયરો મક઼્તામાં પોતાનું (સાચાની જગ્યાએ) હુલામણું નામ લખતા. (સાચું નામ લખે તો કોઈ હુલવી નાખે ને!)  “બાઈ મીરાં કહે” અને “ભણે નરસૈંયો” નહોતું લખાતું? તેમ જ!  (કંપની નોંધાવવા કરતાં બંધ કરવી સહેલી હોય કે ન હોય પણ) સદ્ભાગ્યે મક઼્તામાં મત્લા જેટલું અઘરું નથી. એમાં માત્ર છેડે જ રદીફ઼-કાફ઼િયા આવવા જોઇએ. જેમ ધંધો સમેટવો અઘરો છે કે પતંગ સાજી ઉતારવી અઘરી છે તેમ ગઝલ મક઼્તામાં સારી રીતે સમેટવી તે પણ અઘરું છે. એ ચિંતા તો જેને ’શૂન્ય’, ’ઘાયલ’, ’બેફ઼ામ’ કે ’મરીઝ’ થવું છે તેને – આપણે તો મોજેમોજ છે! ગમે તેવો મક઼્તા આપણે ચાલે.

ફરીથી, (એકલા પ્રમોટર શેરથી કંપની પબ્લિક ન જાય ને?) માત્ર મત્લા અને મક઼્તા લખાય એટલે ગઝલ પૂરી થઈ જતી હોત તો વાત ક્યાં હતી?  ગઝલને કુલ પાંચ કે તેથી વધુ – એકી સંખ્યામાં – શે’ર હોવા જોઈએ, એમાં મક઼્તા-મત્લા આવી ગયા.

૫. બહર: આખેઆખી ગઝલ – ઉપરથી નીચે સુધી – એક જ છંદમાં લખાયેલી હોવી જોઈએ. ગઝલની ભાષામાં છંદને બહર કહે છે. (મારી એક ગઝલમાં લખ્યું છે: ’ભીંસી બહર બાંધી ગઝલ’ – તમે વાંચી?)  મૂળભૂત રીતે આ બહરો નાના ખંડોની બનેલી રહેતી. આ દરેક ખંડને (પાખંડ, લોખંડ કે શ્રીખંડ નહીં પણ) રુકન કહેવાય છે અને તેનું બહુવચન અરકાન થાય છે. (આથી વધુ અરબી પૂછીને મારી જાહેરમાં ઠેકડી ન ઉડાડવા વિનંતી.)  મારા જેવા કાચા કવિને દર વખતે અરૂઝ (ગઝલનું છંદશાસ્ત્ર) પ્રમાણે જ બહર બાંધતાં ન પણ આવડે. આથી જે બહર મત્લાના ઉલા મિસરામાં પડી તેને પડ્યું પાનું ગણી મક઼્તાના સાની મિસરા લગી નભાવી જઈએ. (અમારા એક વડિલ કહેતા “ન ફાવે, ન ભાવે છતાં નભાવે તેને ઘરે પ્રભુ આવે!”. મેં આ વાત પર એક શે’ર સંગ્રહમાં લખ્યો છે. ક્યાં?)

૬. દીવાન: ગઝલો લખનારા લગભગ અને વાંચનારા મોટા ભાગે દીવાના હોય છે માટે નહીં, ગઝલો દીવાન પર બેસીને વાંચવાની મજા આવે છે માટે નહીં, ગઝલો રાજાઓના દીવાનો સાંભળતા માટે નહીં – કશાક (મને ખબર ન હોય તેવા) કારણસર ગઝલોના ખાસ પ્રકારના સંગ્રહને દીવાન કહેવાય છે.

દીવાન એટલે ગમે તે ગઝલ સંગ્રહ નહીં. દીવાનમાંની ગઝલોના રદીફ઼ હરૂફ઼ના (કક્કાના) દરેક અક્ષરે અંત પામવા જોઇએ. અર્થાત્ કક્કાના દરેક અક્ષરે ઓછામાં ઓછી એક ગઝલ પૂરી થતી હોય તેવો સંગ્રહ તે દીવાન.  દીવાનની અનુક્રમણિકા રદીફ઼થી હોય તે સ્વાભાવિક છે. પંક્તિમાં આવતા અક્ષરોના ઊંધેથી (ભારતીય ભાષાઓમાં જમણેથી) અનુક્રમ આપવો એ પણ તાર્કિક છે. આથી “તમે” શબ્દથી અંત પામતી ગઝલ “અમે” શબ્દથી અંત પામતી ગઝલ પછી આવે પણ “તમારું” શબ્દથી અંત થતી ગઝલથી પહેલાં આવે.

આ રીતે ઉર્દૂમાં ગ઼ાલીબનું દીવાન મેં વાંચેલું છે. ગુજરાતીમાં પણ દીવાન લખાયેલાં છે – પણ એ આ અર્થમાં કે કેમ તેની મને ખબર નથી.

૭. રસ: આ સિવાયના પણ બીજા થોડા ઘણા નિયમો છે – જેમ કે વાત્સલ્ય રસના શે’ર લગભગ લખાતા નથી. (ગઝલમાં મોટા ભાગે મયખાનાની વાત આવે. ત્યાં છોકરાં ન લવાય ને?)

ટૂંકમાં ઉપરના નિયમોને આધારે રહી, તમને ગઝલમાં અરઘતું લાગે તેવું લખો તો તમે ખુશ થાઓ એટલી હદે તો ગઝલ બની જ ગઈ.

17 Responses to “ગઝલ એટલે શું અને તેની આસપાસ વપરાતા શબ્દોની સાદી સમજ”

  1. Daxesh Contractor Says:

    સુંદર પ્રયાસ. ગુજરાતીઓને ગઝલ શીખવવા તમે અજમાવેલ શેરબજારનું સામ્ય ગમ્યું. વધુ લેખનનો ઇંતજાર. તમારો પરિચય પણ ક્યાંક મૂકો તો આનંદ થાય.

    • pramath Says:

      દક્ષેશભાઈ,
      તમારા પ્રોત્સાહન બદલ આભાર.
      તમે આ પરિચય ધ્યાનથી વાંચ્યો આથી મેં ફરીથી ધ્યાનથી વાંચ્યો. મારા મૂળ લખાણમાં એક તાર્કિક ભૂલ મળી આવી. એ સુધારી નાખી. થૅન્ક યુ!
      આથી “વધુ લેખનનો ઇંતજાર” કહેનારા તમે પહેલા છો 🙂 મોટા ભાગના મિત્રો “ઓછા લેખનનો ઇંતજાર” કરે છે! “હવે આ કવિતાઓ લખતો બંધ થાય તો સારું!” [ મોટા ભાગના કવિઓમાં મિત્રોનું શ્રોતાઓમાં પરિવર્તન કરી નાખવાની અદ્ભુત શક્તિ હોય છે! સદ્ભાગ્યે મારો અન્ય બ્લૉગ મૌલિક જોક્સનો છે (http://originaljokes.wordpress.com) આથી મિત્રો ટકી રહ્યા છે.]
      ગંભીરતાથી કહું તો આ બ્લૉગ પર ત્રણસોથી વધુ રચનાઓ અત્યારે જ છે. માત્ર મૌલિક જ પ્રકટ કરવું તેવી ધૂન છે આથી થોડું ધીમું લખાય છે. આથી થોડી ક્ષમા, થોડી ધીરજ અને થોડી યાદશક્તિ વાપરી અવારનવાર આ જગ્યા તપાસતા રહેજો!
      મારી રચનાઓ લોકગીતો થઈ જાય અને મને જ કોઈ સંભળાવે તેની સામે તો જ્ઞાનપીઠનો (કે જ્ઞાનપીઠાંનો) નશો પણ ઓછો નહીં કે? ક્યારેક હું મારો પરિચય અહીં મૂકીશેય તે – પણ અત્યારે તો આટલું ઓછું છે? કવિની ચિંતા છોડી, મુક્ત હૃદયે કાવ્યો ગવાય અને સંભળાવાય તેથી રૂડું (સાહિત્યમાં) શું?

  2. Pancham Shukla Says:

    Simply great!

  3. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ Says:

    ખુબ સરસ મૌલિક લખાણ!
    લખાણ ના ઘણા પ્રકાર માનો આ ઉત્તમ પ્રકાર છે!
    મારે આ વિષય પર વાંચન ની ઈચ્છા હતી, તદન સરળ જ્ઞાન મળી ગયું ,આભાર!

  4. sudhir patel Says:

    I enjoyed your simple and funny way to explain what is Ghazal and its structure!
    Sudhir Patel.

  5. Piyuni no pamrat ( પિયુની નો પમરાટ ) Says:

    Nice…. really enjoyed reading this….
    you really write well….
    All the Best….Keep up the good work.
    Shall keep visiting your blog often.
    Keep in touch.
    http://piyuninopamrat.wordpress.com/

    • pramath Says:

      ધન્યવાદ!
      તમે આ બ્લૉગનો આર.એસ.એસ. ફ઼ીડ પણ સબસ્ક્રાઈબ કરી શકો છો.
      આર.એસ.એસ. ફ઼ીડ એટલે એડ્રેસની બાજુમાં દેખાતું નારંગી ચોકઠું – તેના પર ક્લિક કરવાથી આ બ્લૉગનો તમારા બ્રાઉઝર પર જીવતો બુકમાર્ક બનશે અને જ્યારે તેના પર ક્લિક કરશો ત્યારે છેલ્લી પ્રગટ કરેલી રચનાઓનાં નામ દેખાશે.
      તમે જલદી આવ્યા હો તો નવું કશું નહીં વાંચવા મળે. લાંબા સમયે આવ્યા હશો તો જેટલું નહીં વાંચ્યું હોય તે બધું વાંચી શકશો!

  6. chandravadan Says:

    Nice Write-up !
    It is enjoyable to read for those interested to compose a Gazal & also for those “not intersted”.
    You had broken your own rule of “NO ID” !
    You can covert those comments as if from “how you did for the Posts”
    DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    See you on Chandrapukar !

  7. chandravadan Says:

    I am a “Fool” !
    It is my mistake to make any suggestion !
    NO MISTAKE from you !
    Chandravadan

    • pramath Says:

      આપણી પોતાની પણ આટલી આકરી ટીકા કરવી તે વ્યાજબી નથી! તમે એવી તે શી સલાહ આપી દીધી? 🙂 અને મારી ભૂલ ન થાય તેવું કોણે કહ્યું?
      ઊલટું એટલે તો આ બ્લૉગ જેવા લોકશાહી માધ્યમો સારાં છે! વાચકો તરત ભૂલો પકડી શકે છે. સરવાળે સશક્ત લખાવાની તક મળે છે!

  8. યશવંત ઠક્કર Says:

    સરળ પણ ઉપયોગી વાતો.. ગમી.

  9. 2010 in review « મૌલિક ગુજરાતી સાહિત્ય Says:

    […] ગઝલ એટલે શું અને તેની આસપાસ વપરાતા શબ્… March 2010 11 comments 3 […]

  10. pragnaju Says:

    વાહ્

    અંદાઝે બયાં ઔર !

    • pramath Says:

      ભાઈ,
      હું તો કારીગર માણસ. મને ’પરબ’ જેવી ભાષા ન આવડે. “આ તો આઠ આનીની ચાકી માટે આઠ આનીનું પાનું ચાલે” એવી શૈલીથી લખી જાણું. રસોઈ કરતાં આવડતી હોત તો કવિતાની જગ્યાએ રેસિપીનો બ્લૉગ કાઢ્યો હોત.
      કવિતામાં કોઈ બહુ અધિકાર પૂછતું નથી. આથી ઇન્ટરનેટ પર મારી પાલી ચાલે છે. બાકી મોટા ભાગના વખણાતા, છપાતા, ભણાવાતા, વિદ્યમાન, માંધાતા કવિઓ શું લખે છે તે પણ મને સમજાતું નથી હોતું. એકાદનું તો તખલ્લુસ સમજવા માટે પણ મારે ’અમરકોશ’ ઉપાડવો પડ્યો હતો.
      સાટે સારું છે કે આવા મૂર્ધન્ય કવિઓ અમારા ધંધામાં પડતા નથી. નહીં તો કોમ્પ્યુટર કદી ચાલે જ નહીં.
      -’પ્રમથ’

      • pragnaju Says:

        “આમ તો કોઈના બ્લૉગની કોમેન્ટમાં પોતાના બ્લૉગની લિંક આપવી તે ધૃષ્ટતા છે.” છતા સૂચન…કોઈ વાર પધારશો
        niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*. સહજ ભાવોના દ્યોતક*.

  11. jjkishor Says:

    ઝીણવટ ને ચીવટભર્યું બહુ ઉપયોગી લખાણ માટે ધન્યવાદ અને આભાર.

    • pramath Says:

      કિશોરભાઈ,
      ૦. તમે ગુણીજન તે આવી વાતને વખાણો. આભાર તો તમારો માનવો રહ્યો કે સરસ્વતી હજી વાંઝણી નથી લાગતી.
      ૧. મેં આ લેખમાં સાચું લખ્યું છે ખરું? ઝીણું કાંતવું તે તો અમારા ધંધાની આડ અસર છે. ઉપયોગી છે કે નહીં તે તો જોનાર પર છે.
      ૨. ઇન્ટરનેટ અને હાયપરટેક્સ્ટ માધ્યમનો ફાયદો કે માહિતી ઝડપભેર, સરળતાથી પહોંચી શકે છે. મારા નમ્ર મતે આપણે વિજ્ઞાનમાંથી શિખવું જોઇએ. “Peer Review” અને સાબિતી વિના એક પણ રિસર્ચ પેપર છપાય છે? આથી જ વિજ્ઞાન લોકપ્રિય થતું જાય છે.
      ૩. પંચમભાઈ જેવા ખેલદિલ, સોનાના માણસના બ્લૉગ પર મારાથી આવી ટીપ્પણ મૂકી શકાય. [અને આભાર એમનો કે એ પણ સામે કડવી વાત કરતાં અચકાતા નથી. ઉદાહરણ: http://rachanaa.wordpress.com/2011/02/22/%E0%AA%8F%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BE/#comments%5D બાકી ગુજરાતી સાહિત્યમાં અને બ્લૉગિંગમાં ઘણાં હૈયાં કાચનાં રાચ છે, અડીએ ત્યાં ભાંગી જાય. આથી જ સાહિત્યમાંથી લોકરુચિ ઘટતી જાય છે.

Leave a comment